શાળામાં શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ભારતના મહાન શિક્ષણવિદ્ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા શિક્ષક દિનના પર્વને યાદગાર બનાવવા માટે શાળામાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં શિક્ષકો પ્રત્યે આદર, સન્માન અને કૃતજ્ઞતાની ભાવના વિકસે તે હેતુથી સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
શિક્ષક દિનની ઉજવણી માટે વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન શાળાના શિક્ષક મિત્રો, કર્મચારીઓ તેમજ નવજીવન બી.એડ. કોલેજના તાલીમાર્થી ભાઈઓ દ્વારા આપવામાં આવ્યું હતું. તાલીમાર્થીઓએ વિદ્યાર્થીઓને શિક્ષક દિનની વિવિધ પ્રવૃત્તિઓ માટેની તૈયારી કરાવી તેમજ કાર્યક્રમનું આયોજન, સંચાલન અને રજૂઆત કેવી રીતે કરવી તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાની પ્રતિભા અને સર્જનાત્મકતાનું સુંદર પ્રદર્શન કર્યું હતું.
આ પ્રસંગે વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા નિભાવવાનો અનુભવ મેળવ્યો અને શિક્ષકના કાર્યની જવાબદારી તથા મહત્ત્વને નજીકથી સમજવાનો અવસર પ્રાપ્ત કર્યો. વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, આત્મવિશ્વાસ, શિસ્ત, જવાબદારી અને સહકારની ભાવનાનો વિકાસ થયો હતો.
સમગ્ર કાર્યક્રમ આનંદ, ઉત્સાહ અને શિસ્તપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. શિક્ષક દિનની આ ઉજવણી વિદ્યાર્થીઓ માટે માત્ર આનંદનો પ્રસંગ ન બની રહેતાં શિક્ષક પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો તેમજ શિક્ષણના મહત્ત્વને સમજવાનો પ્રેરણાદાયી અવસર બની હતી. શાળાના શિક્ષકમિત્રો, કર્મચારીઓ તથા નવજીવન બી.એડ. કોલેજના તાલીમાર્થીઓના સહયોગથી કાર્યક્રમ સફળ અને યાદગાર બન્યો હતો.


















ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો